Wednesday, March 7, 2018

   સુગંધનું સરનામું:

    જીવનનું, સમાજનું કોઈ પણ અંગ હોય- ધર્મ, રાજકારણ, કલા, સાહિત્ય, શિક્ષણ, તબીબી, ઇજનેરી કે રમતગમત, પત્રકારત્વ, વ્યવસાય કે અન્ય કોઈ પણ, મહિલાઓ ક્યાંય કશેય પાછળ રહી નથી. પાછી પડી નથી. પોતપોતાના મનગમતા ક્ષેત્રમાં આગવું કામ કરનાર કે નામ કમાનાર આવી અનેક મહિલાઓ વિષે આપણે જાણીએ છીએ, એમનો આદર કરીએ છીએ અને એમના માટે ગૌરવ અનુભવીએ છીએ. 
   પણ આપણી જ આસપાસ રહેતી, દેખાતી એવી અનેક સાધારણ ગણાતી મહિલાઓ જે કશુંક અસાધારણ કરી રહી છે, કરી શકી છે એમના વિષે આપણે શું જાણીએ છીએ? દેશના કે વિશ્વના પૃષ્ઠો પર ઝળહળી શકવાની કે એ કક્ષાના કામ કરી શકવાની ક્ષમતા કે ભાગ્ય સૌને ફાળે નથી આવતાં,પરંતુ પોતાની જાતને, આસપાસના લોકોને, કુટુંબને કે સમાજના  કોઈ એક નાનકડા ભાગને પણ પોતાની ક્ષમતા મુજબ ઉજાળી  શકતી સામાન્ય ગણાતી મહિલાઓ આપણી આસપાસ, આપણા કુટુંબમાં,કે પાડોશમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે. 
   એવાં થોડાં વિશિષ્ટ વ્યક્તિત્વોને ઓળખી એમને ઝળહળને સહુ સાથે વહેંચવાનોઅવસર હાથવગો છે જ તો જવા કેમ દેવાય? આવાં થોડાક લોકોની ઓળખને અજવાળામાં લાવીએ તો એમ બને કે કદાચ કોઈને કશીક મદદ મળે, કોઈકને કશોક સાથ. કોઈકને મળે કશોક સધિયારો અને કશું નહીં તો આપણા જેવા કોઈને મળે કશી પ્રેરણા પોતાની માર્યાદિત ક્ષમતા કે સંજોગોને અતિક્રમીને મૂઠી ઊંચેરું જીવન  જીવતી આવી મહિલાઓનું ગૌરવ આપણે જ કરીએ તો?  મહિલા દિનની ઉજવણી આનાથી રૂડી કઈ રીતે હોઈ શકે? 
    શક્તિસ્વરૂપા તો આપણે છીએ જ. પણ ક્યાંક ખૂણે ખાંચરે સંતાયેલી આવી શક્તિઓને ઓળખીને બિરદાવીએ, એમની ખુમારીને ઉજવીએ કે બને તો એમના કાર્યયજ્ઞમાં ક્યાંક આંગળી અડાડીએ તો આપણે માટે મહિલાદિનની ઉજવણી બિલકુલ સાર્થક!  

Monday, July 10, 2017

   ભાષા, સાચી ભાષા કઈ? બોલાય તે ? લખાય, વંચાય તે? રોજિંદી બોલચાલની ભાષા સાચી કે પુસ્તકોમાં,છપાતી, વિદ્વજજનોનાં સાહિત્યિક માપદંડો પાર ખરી ઉતરે તે સાચી? આમ તો કહી શકીએ કે  સરળતાથી સમજાય તે ભાષા સાચી! જે કંઈ કહેવું છે તે સ્પષ્ટપણે કહી શકાય અને સામેની વ્યક્તિને સમજાવી શકાય એ ભાષા સાચી! તો પછી જેને સાહિત્યિક મૂલ્યોવાળી, ચીલાચાલુથી કઇંક ઊંચેરી ગણાય તે ભાષા કઈ? ભાષાનો વૈભવ ક્યાંથી, કઈ રીતે પ્રગટતો હશે?
    દરેક ભાષાને અને દરેક ભાષાની રજૂઆતને પોતાની ખાસિયતો હોય છે. પોતાનું સૌંદર્ય અને પોતાનાં બંધનો પણ હોય છે. એ બધાની સાથે ચાલીને અને ઉપર ઉઠીને પણ જે સ્વરૂપવૈવિધ્ય આપણા સુધી પહોંચે છે તે પોત પોતાની ખૂબીઓ,ખામીઓ સાથે પણ એક વિશિષ્ટ અનુભૂતિ કરાવે છે. 
   એવી ભાષા, આપણી પોતાની કે અન્યની,દેશની કે વિદેશની, દરેકનો એક વૈભવી વારસો હોય છે. ભાષાનું શાસ્ત્રીય કે સહજ જે રૂપ જેને ફાવે છે તેનો એ ઉપયોગ કરે છે એ તો ખરું પણ મઝાની 
વાત એ છે કે એવાં સઘળાં સ્વરૂપો કોઈ ને કોઈ પ્રકારના સર્જન માટે પણ સહજતાથી વપરાય છે. શિષ્ટ કે ક્લિષ્ટ ભાષા હોય, ગ્રામ્ય કે પ્રાદેશિક છાંટથી રસાયેલી ભાષા હોય કે પછી એના શાસ્ત્રીય ધારાધોરણોને અનુસરીને પ્રયોજાતી ભાષા હોય- દરેકને એનું પોતાનું સૌંદર્ય છે, પોતીકી મહત્તા છે અને એમાં થતું કોઈ પણ પ્રકારનું સર્જન એ કોઈ પણ ભાષાનો અનોખો વૈભવ છે. 
     માતૃભાષાની લાગણી અને એની સાથેની સહજતાને કારણે એમાં થતાં સર્જનો તરફ મારો ઝોક વધુ છે, હશે, એ હકીકત છે પણ સાથે અન્ય ભાષાઓ તરફ પણ સહજ આદર અને સન્માનની ભાવના રાખવી એ ય આપણી ભાષાએ જ આપણને શીખવ્યું છે ને?  
એવા આપણા પોતીકા અને વૈશ્વિક ભાષાવૈભવની જે મૂડી મને માણવા મળે છે એ વહેંચવા અને વધુને વધુ સહૃદયીઓ સુધી પહોંચાડવાની હોંશ અને એનો આનંદ એટલે આ બ્લોગ- ભાષાવૈભવ!
   મારા આનંદના આ વૈભવી વિશ્વમાં આપ સૌનું સ્વાગત.