ભાષા, સાચી ભાષા કઈ? બોલાય તે ? લખાય, વંચાય તે? રોજિંદી બોલચાલની ભાષા સાચી કે પુસ્તકોમાં,છપાતી, વિદ્વજજનોનાં સાહિત્યિક માપદંડો પાર ખરી ઉતરે તે સાચી? આમ તો કહી શકીએ કે સરળતાથી સમજાય તે ભાષા સાચી! જે કંઈ કહેવું છે તે સ્પષ્ટપણે કહી શકાય અને સામેની વ્યક્તિને સમજાવી શકાય એ ભાષા સાચી! તો પછી જેને સાહિત્યિક મૂલ્યોવાળી, ચીલાચાલુથી કઇંક ઊંચેરી ગણાય તે ભાષા કઈ? ભાષાનો વૈભવ ક્યાંથી, કઈ રીતે પ્રગટતો હશે?
દરેક ભાષાને અને દરેક ભાષાની રજૂઆતને પોતાની ખાસિયતો હોય છે. પોતાનું સૌંદર્ય અને પોતાનાં બંધનો પણ હોય છે. એ બધાની સાથે ચાલીને અને ઉપર ઉઠીને પણ જે સ્વરૂપવૈવિધ્ય આપણા સુધી પહોંચે છે તે પોત પોતાની ખૂબીઓ,ખામીઓ સાથે પણ એક વિશિષ્ટ અનુભૂતિ કરાવે છે.
એવી ભાષા, આપણી પોતાની કે અન્યની,દેશની કે વિદેશની, દરેકનો એક વૈભવી વારસો હોય છે. ભાષાનું શાસ્ત્રીય કે સહજ જે રૂપ જેને ફાવે છે તેનો એ ઉપયોગ કરે છે એ તો ખરું પણ મઝાની
વાત એ છે કે એવાં સઘળાં સ્વરૂપો કોઈ ને કોઈ પ્રકારના સર્જન માટે પણ સહજતાથી વપરાય છે. શિષ્ટ કે ક્લિષ્ટ ભાષા હોય, ગ્રામ્ય કે પ્રાદેશિક છાંટથી રસાયેલી ભાષા હોય કે પછી એના શાસ્ત્રીય ધારાધોરણોને અનુસરીને પ્રયોજાતી ભાષા હોય- દરેકને એનું પોતાનું સૌંદર્ય છે, પોતીકી મહત્તા છે અને એમાં થતું કોઈ પણ પ્રકારનું સર્જન એ કોઈ પણ ભાષાનો અનોખો વૈભવ છે.
માતૃભાષાની લાગણી અને એની સાથેની સહજતાને કારણે એમાં થતાં સર્જનો તરફ મારો ઝોક વધુ છે, હશે, એ હકીકત છે પણ સાથે અન્ય ભાષાઓ તરફ પણ સહજ આદર અને સન્માનની ભાવના રાખવી એ ય આપણી ભાષાએ જ આપણને શીખવ્યું છે ને?
એવા આપણા પોતીકા અને વૈશ્વિક ભાષાવૈભવની જે મૂડી મને માણવા મળે છે એ વહેંચવા અને વધુને વધુ સહૃદયીઓ સુધી પહોંચાડવાની હોંશ અને એનો આનંદ એટલે આ બ્લોગ- ભાષાવૈભવ!
મારા આનંદના આ વૈભવી વિશ્વમાં આપ સૌનું સ્વાગત.